રાજ્યની શાળા-કોલેજોમાં હવે ૭ દિવસનું નવરાત્રિ વેકેશન, રાજ્યસરકારનો મહત્વનો નિર્ણય
28 July 2018, 4:59 pm
રાજ્યની તમામ સરકારી શાળા- કોલેજોઅને યુનિવર્સિટીમાં વેકેશનમાં એકસૂત્રતા જળવાય તે માટે લેવાયો નિર્ણય
રાજ્ય સરકાર દ્વારા વધુ એક શિક્ષણલક્ષી મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યની તમામ સરકારી શાળા-કોલેજો, યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા, પરીક્ષા અને વેકેશનમાં એકસૂત્રતા જળવાય અને સુચારૂ રૂપે એક સાથે તમામ કાર્યક્રમો કરી શકાય તે હેતુથી કોમન એકેડેમિક કેલેન્ડર અમલમાં મુકવામાં આવ્યું છે. રાજ્યકક્ષાનાં શિક્ષણ મંત્રી વિભાવરીબહેન દવેએ સત્તાવાર જાહેરાત કરી હતી.રાજ્ય સરકાર દ્વારા વધુ એક શિક્ષણલક્ષી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રથમ શૈક્ષણિક સત્ર તારીખ 12 જૂન 2018 થી 4 નવેમ્બર 2018 એમ પરીક્ષા સમય સિવાય 95 દિવસનું રહેશે. જ્યારે કોલેજની આંતરિક મુલ્યાંકન – પરીક્ષાઓ સતત મુલ્યાંકનની જેમ સાપ્તાહિક ટેસ્ટ, પ્રોજેક્ટ વર્ક, સમૂહ ચર્ચા વગેરે તા.15 ઓક્ટોબર 2018 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. તારીખ 15 ઓક્ટોબર થી 21 ઓક્ટોબર 2018 સુધી 7 દિવસનું નવરાત્રિ વેકેશન હશે. ઉપરાંત તારીખ 22 થી 31 ઓક્ટોબર 2018 દરમિયાન સેમેસ્ટર 1, 3 અને 5ની યુનિવર્સિટી કક્ષાની પરીક્ષા, તારીખ 28 નવેમ્બર 2018 થી 7 ડિસેમ્બર-2018 સુધી સેમેસ્ટર 2, 4 અને 6ના વિષયોની યુનિવર્સિટી કક્ષાની પરીક્ષા યોજાશે. જ્યારે તારીખ 5 નવેમ્બર 2018 થી 18 નવેમ્બર 2018 દરમિયાન 14 દિવસનું દિવાળી વેકેશન રહેશે.